તું હવાની જેમ આવી આરપાર થઈ જા,
આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા.
બેઉમાંથી એક તો તારે થવું જ પડશે,
રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા.
સૂર્યના પહેલા કિરણ જેવો જ તું હ્રદયમાં,
કોઈ સુંદર તાજગી ભર્યો વિચાર થઈ જા.
હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે,
ચાહવાનો એટલો *સહેલો પ્રકાર થઈ જા.
હુંય લીલોછમ અડીખમ ને સળંગ ભીનો,
તુંય મૂશળધાર થઈ જા, ધોધમાર થઈ જા.
અનીલ ચાવડા