મારગને પિછાણું છું, ને પગથી પરિચિત છું
હું મારી સફરની હર રગરગથી પરિચિત છું!
મેં પૂછ્યું, ‘ફરી મળશું?’ એણે કહ્યું કે, ’લગભગ!’,
હું સારી રીતે એના ‘લગભગ’થી પરિચિત છું!
તું તેજ વિશે બિલકુલ અજ્ઞાની મને ના ગણ,
સૂરજથી અજાણ્યો છું પણ શગથી પરિચિત છું.
સંતાડ નહીં તારા આ સ્મિત નીચે કંઈ પણ,
તેં નામ મરી પાડ્યું એ મગથી પરિચિત છું.
એ તોય ભર્યા કરતો ‘તો મારી બધી હુંડી
હું જેના વિશે કહેતો કે ઠગથી પરિચિત છું!
~ અનિલ ચાવડા