‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી?
નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
તમે થઈ ગયા ચૂપ;
રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
ક્યાંથી ચીતરું રૂપ?
રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી?
ક્ષણના તારેતાર ઉપર પણ, ઇચ્છાઓના દ્વાર ઉપર પણ,
મારી દીધી સાંકળ;
યુગો યુગોથી ખૂલવા કરતી ‘હોવું’ નામે બોતલ ઉપર,
વાસી દીધું ઢાંકણ.
રસ્તા, શેરી, ગામ-ગલીનો ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી?
– અનિલ ચાવડા