કપરો કાળ છે.
રાત વીતાવવી અઘરી લાગે
ને સવારની રાહ જોવાય.
પણ
સવાર પણ ક્યાં ઊગે ?
એ તો પડે છે.
ને સાથે આવી પડે છે છાપું.
છાપાવાળા ભાઇને
ઘરમાં ઉપર સુધી આવવાની ના છે.
એ મુકી દે છે છાપુ Lift માં.
ને હું જઇને લઇ આવું છું ઘરમાં.
પણ Lift માં આવેલું છાપું
કૈં mood uplift નથી કરી શકતું !
સમાચારના સાગર જેવા છાપાના પાના
જાણે પીડાના મોજાં છે.
સમજણ , અણસમજ, વિમાસણ …
આભ ફાટે ત્યારે
એ કેમ ફાટ્યું , કોનાથી ફાટ્યું,
કોણે ફાડ્યું, કેમ ફાડ્યુંની ચર્ચા કરવા કરતાં
આપણાથી શક્ય હોય એટલું થીગડું મારીએ તો ?
સહુનાં સહકારનાં એ નાના મોટા થીગડાંથી
આભ ચંદરવો બની શકે , હોં !
તુષાર શુક્લ