કંજૂસ ! ! !
અહીંયા તો બધ્ધા કંજૂસ.
ચોમાસું’ય પૂછી લે, છૂટ્ટક બે છાંટામાં પીશો કે વાદળીનું જ્યુસ ?
અહીંયા તો બધ્ધા કંજૂસ.
આમ પાછા વ્હેંચીને ખાવામાં માને ને અર્ધીની’ય અર્ધી પીવરાવે.
એવાના આંગણામાં આપશ્રી કહો છો એવો ધીંગો વરસાદ ક્યાંથી આવે ?
કો’ક વાર ક્યાંક વળી વાછટ પણ મોકલે ને પૂછી પણ લેતા કે ખુશ ?
અહીંયા તો બધ્ધા કંજૂસ.
અહીં તો જુવાનજોધ થાય છે અષાઢ તોય પ્હેરે દિ કોરાધાકોર.
વરસાદે ન્હાવા ઈ નીકળેલા હોય અને પરસેવે પલળે ઠાકોર !
મન મૂકી વરસે નહીં એવા લોકોને જોઈ વાદળ પણ થઈ ગ્યા ચીંગુસ.
અહીંયા તો બધ્ધા કંજૂસ.
કૃષ્ણ દવે.