ચોમાસુ કેટલું છે છેટું ?
હજી ચોમાસુ કેટલું છે છેટું ?
થાય છે કે મોઢેથી માસ્કને ફગાવીને વ્હાલા વરસાદ તને ભેટુ
હજી ચોમાસુ કેટલું છે છેટું ?
એવું તો ધોધમાર ખાબકે કશુક્ ભલે છાંટે ને છાંટે છોલાઉ
તંગ થઇ ગયેલા આ તળીયા તૂટે ને હુંય ભડ ભડ ભડ એમાં ભીંજાઉ
સાચું કહું આ વખતે મોડું પડે તો એને મારી દઉં પાંચ-સાત ફેંટુ !
હજી ચોમાસુ કેટલું છે છેટું ?
આ વર્ષે આંખ એવી કેટલી હશે ? કે જેનું રહી જાશે ચોમાસું કોરું
સૂની પડેલી કંઈક પાપણની પછવાડે થાતું કે મેઘધનુષ દોરૂ !
અથવા તો એમ થાય વીજળીની પાસે હું ચિતરાવુ વાદળીનું ટેટુ !
હજી ચોમાસુ કેટલું છે છેટું ?
કૃષ્ણ દવે