સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?
ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?
જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?
નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?
મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?
ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?
કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?
‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?
– કૃષ્ણ દવે