.
આવશે, એ આવશે, એ આવશે, એ આવશે.
તું પ્રતિક્ષામાં અગર શબરીપણું જો વાવશે.
-શબરી
જોગવશ કંઇ પણ બને પણ માર્ગ જે છોડે નહી,
હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે.
-અહલ્યા
આંખથી નીજને વહાવી બસ ચરણ ધોયા કરો,
ખુદ હલેસુ, નાવ થઇ ભવપાર એ ઉતરાવશે.
-કેવટ
આવશે એવાં ભરોસાના હ્રદયસિંહાસને –
પાદુકામાં પ્રાણ પોતાનો મુકી પધરાવશે.
-ભરત
પાંખથી છેક જ કપાયા હોઇએ એવી પળે,
પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે.
-જટાયુ
વાતમાં મધરાતમાં મ્હેક્યા કરે એક જ રટણ,
લઇ શરણમાં એક દિ એ હેતથી નવરાવશે.
-વિભીષણ
ઘોર અંધારૂ તને ઘેરી વળે એવે સમય
એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે.
-સીતાજી
રાહ જોતા જે શીખ્યા એને બીજુ શું આવડે ?
સામટુ સોનુ મળે તો એ ય પણ સળગાવશે.
–હનુમાનજી
મીટ માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા,
આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે.
-અયોધ્યાવાસી
કૃષ્ણ દવે