કોઈ સંબંધ, કોઈ સગપણ આપણી વચ્ચે નથી,
આમ શરમાવાનું કારણ આપણી વચ્ચે નથી.
આપણે ઊંટો પલાણીને જવું છે ક્યાં હવે ?
ક્યાંય ખોબા જેવડું રણ આપણી વચ્ચે નથી.
શ્વાસ પણ લેવા ન પામે આ અબોલા આપણા,
મૌન તૂટે એવી મૂંઝવણ આપણી વચ્ચે નથી.
આ અડોઅડ એકસાથે બેસવાનો અર્થ શો ?
કોઈ વસ્તુ વેરણછેરણ આપણી વચ્ચે નથી.
મિત્રતા તો આપણી વચ્ચે હતી, છે ને હશે,
માત્ર ‘હુંપદ’નું નિવારણ આપણી વચ્ચે નથી.
આપણે શા માટે કહીએ કોઈને ખોટુંખરું?
આયનાનું ધારાધોરણ આપણી વચ્ચે નથી.
મારું ના હોવું ખટકશે, કોક દિ’ કહેશે કોઈ :
આજ તો ધનતેજવી પણ આપણી વચ્ચે નથી.
ખલીલ ધનતેજવી