પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.
પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.
મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.
આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.
કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.
સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.
મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.
ખલીલ ધનતેજવી