ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.
કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.
એમ કંઈ સ્વપ્નમાં જોયેલો ખજાનો નીકળે?
ભાઈને હું શું કહું, એ મારું ઘર ખોદી ગયો.
જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત ફહેવાનું તો હું ભૂલી ગયો.
~ ખલીલ ધનતેજવી