ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.
કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.
જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.
મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.
પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.
તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.
– ખલીલ ધનતેજવી