સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો?
તમને દુવા તો મળશે, અસર ક્યાંથી લાવશો?
બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે;
ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો?
શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો;
મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો?
શંકરની જેમ નાગને મફલર કરી શકો;
પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો?
મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામા ક્યાંક પણ;
સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો?
– ખલીલ ધનતેજવી