ત્યાગ માં ક્યાં કંઈ મહિમા જેવું લાગે છે?
સહુ ને એમાં હસવા જેવું લાગે છે!
આજે કોઈ જોઈ રહ્યું છે મારા તરફ,
આજે કઈ જળહળવા જેવું લાગે છે.
ક્યાંક અચાનક ખાબોચિયાએ પૂછ્યું મને,
મારા માં કઈ દરિયા જેવું લાગે છે?
જો, આ તો છે મંદિર મસ્જીદ જેવું કશુક,
પાછો વળ ભઈ ખતરા જેવું લાગે છે!
આપણો દેશ ને રાજ પણ આપણું પોતા નું,
સાચું છે પણ અફવા જેવું લાગે છે!
ચાલ ખલીલ, આ અંધારા ને ખોતરીએ,
આમાં કઈ અજવાળા જેવું લાગે છે!
~ ખલીલ ધનતેજવી