બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું.
અમારી દ્રષ્ટિએ છે પાપ પડતીમાં પડી રહેવું,
પુન: વ્હાણે પ્રગટશું, સાંજનાં જો આથમી જાશું.
સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જો જો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું.
જીવનની ડાળ ઉપર પુષ્પ રૂપે ફોરશું, કિન્તુ;
મધુકર વૃત્તિઓની સામે કંટક પણ બની જાશું.
અમે ઓ રાહબર! આગળ ધપીશું તવ નજર રૂપે,
નથી કંઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જાશું.
પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.
પતંગાની અગન લઈને ‘ગની’ કંઈ શોધીએ શાતા,
દીસે છે દૂર પેલી જ્યોતિ, ત્યાં જઈને બળી જાશું.
– ‘ગની’ દહીંવાળા