આજે માતૃદિવસ..( Mother’s Day)
આજની ખૂબ સરસ રચના.
રચના:શ્રી તુષારભાઇ શુક્લ
સંગીત કેરી સરગમ નો જેમ, પહેલો સ્વર છે સા
જીવન કેરી સરગમ કેરો, સાચો સ્વર છે મા
કહેનારાનું કહેવું સાચું,
મા તે કેવળ મા
બીજા સઘળાં સંબંધો છે, વનવગડા ના વા…
ભર્યો ભર્યો પણ સૂનો લાગે, મા વિના સંસાર
વર્ણવતા શબ્દો પણ થાકે, મહિમા અપરંપાર
જોડ મળે નહીં જેની જગમાં,એવું રુપ છે આ
કહેનારાનું કહેવું…
સઘળાં તાપ શમે જ્યાં એ છે મા નો મીઠો ખોળો
અમૃત ઝરતી આંખ છે મા ની
સુખ ની છાલક છોળો
એવી મા ને કદી ન કરજો કડવા વેણનો ઘા
કહેનારાનું કહેવું…
જીવન વનના વિપરિત વાયુ અડગ થઈને સહેતી
કમલપત્ર શી કોમલ માતા વજ્ર સમી થઇ રહેતી
પરમેશ્વર ના પહોંચે સઘળે એથી જન્મી મા
કહેનારાનું કહેવું…
અણદીઠેલા જગમાં શિશુને મા નો છે વિશ્વાસ
બાળક માટે જીવતી મરતી બાળક મા નો શ્વાસ
બધું ભુલો પણ કદી ન ભૂલશો મા તે કેવળ મા
કહેનારાનું કહેવું…