અમારે રોજેરોજ જોવાના તમને
તો ઘરમાં પણ લાગો એવા કે ગમે અમને !…
સાંજ પડે થઇને તૈયાર પડો બ્હાર
લાગો વ્હેલી સવારનું હો છાપું
રાતે આવો છો ત્યારે ઊંઘી હું જાઉં
મૂઇ પસ્તીને હુંય શું વાંચું ?
સવારે જોવાનો એનો એ નાઇટ ડ્રેસ
કંટાળો ન આવે કદી અમને ?
અમારે રોજરોજ જોવાના તમને !…
ઘરમાં હો ત્યારે કધોણાં એ ટી શર્ટ ને
ઢીલા બર્મૂડામાં ફરતા
રામો પણ કોકવાર લાગે છે સ્માર્ટ
તમે પ્હેરીને લાગો એ કરતા
સારા લૂગડાં જો ફક્ત પ્હેરવાના બ્હાર હો તો
ભેગા લઇ જાવ કદી અમને
અમારે રોજેરોજ જોવાના તમને…
ઘરના આગળ ભલે પ્હેરો ન મ્હોરું
પણ ચ્હેરો તો ગમે એવો રાખો
ગામનાંની સાથે છો તાળીઓ લિયો
કદી અમને પણ આંખડીથી ચાખો
લોકોની વચ્ચે કદી વ્હાલપ છલકાવો તો
સાથે હોવાનું લાગે અમને
અમારે આટલું જ કહેવાનું તમને…
– તુષાર શુક્લ