હોળી ગઇ કાલે ને ધૂળેટી કાલે
તો આજના આ દિવસનું શું ?
એના વિચારમાં હું બેઠો છું અહીં
અલી, શુંયે વિચારતી તું ?
ગઇકાલે પ્રગટી એ હોળીની જ્વાળા પર
વરસ્યો’તો જેવો વરસાદ
હુંયે વરસીને કાલ ભીંજવું તને કે
ઓણ ધૂળેટી રહી જાયે યાદ
એના સપનામાં રાચું છું હું
તું કહેને અલી, સપનાંઓ જુવે કે તું ?
રંગવા રંગાવાનું આયોજન હોય નહીં
એ તો વરસોથી હુંયે જાણું
એની ગલી અને એના મકાન તણું
જાણી લઉં આજે ઠેકાણું
કાલ પહેલા રંગીશ તને હું
હવે સમજાયું કરવાનું આજે છે શું !
– તુષાર શુક્લ