આમ તો હવે ખાસ કોઇ ઘરકામ કરતો નથી.
પહેલાં કરતો.
મમ્મી નોકરી કરતી
પપ્પા ઘરકામમાં મદદ કરતા
શાક સમારતા ને આંગણુંય વાળતા.
અમે સહુ પણ
રેશનની દુકાને લાઇનમાં ઊભા રહેતા
ઘંઉમાંથી કાંકરા વીણતા
દળાવવા જતા.
ત્યારે પહેલી તારીખનો મહિમા.
મમ્મીનો પગાર આવે એ તો ખરું જ પણ
રામો ન આવે !
એટલે કચરા પોતા વાસણ કપડા બધું જાતે.
રસોઇ કરવામાં પણ મદદ કરું.
પરવળનો ઝોલ મારી માસ્ટરી !
એક કામ હજી યાદ છે,
આમ તો એ મહેનતનું હતું
પણ અમે મજાનું બનાવી દીધેલું
એ હતું પાણીની કૂંડી સાફ કરવાનું !
ઇંટનો ટૂકડો લઇ ભીંતેથી લીલ કાઢવાની
અમે કૂંડી ખાલી કર્યા વગર જ એમાં ઉતરતા
પાણીમાં રમતા ને કામ પણ કરતા.
હવે કૈં કરતો નથી..
હીંચકો, કોફી, છાપું ને પછી સોશ્યલ મીડીઆ !
ઘરઘાટી , મહારાજ, માળી ..
બધા બધું સમયસર કરે છે
રામો દેશમાં જાય તો બદલીમાં કોઇને મુકે છે.
પણ હા,
હવે સફાઇકામ કરું છું , પણ જરા જૂદું.
એક રાતમાં
મોબાઇલ ફોન પર ઠલવાતા સંદેશા
વોટ્સએપ પર, જાતભાતના group માં
મેસેન્જર બોક્સમાં
આવતા જ રહે છે ઢગલેઢગલા
સુવિચાર , માહિતી, રમૂજ, આક્રોશ…
दूआ सलाम , કેમ છો .. અભિવાદન , greetings
audio video સ્વરુપે
ને કૈં કેટલુંય !
શુભભાવથી ય આવે
અને આગળ ધકેલેલુંય હોય
હવે બધું જ વાંચવું,
સમયસર વાંચવું,
ને પ્રતિભાવ પણ સાનુકૂળ આપવો , થકવે ને ?
આપણી પાસે
આપણા અનુભવ, અવલોકન,અભ્યાસ છે
અને એને આધારે કેળવાયેલ
મર્યાદિત વિવેક પણ.
કોઇને એ બરાબર નય લાગતો હોય.
એટલે એ એમને અનુકૂળ શૈલીમાં લખે.
અને આ બધું વાંચો એટલે મનમાં એકઠું થાય.
કેટલુંક વહી જાય
કેટલાંકને મન સહી જાય
તો કેટલુંક મનમાં રહી જાય.
કેટલુંક આપણે રાખીએ ,
કોઇના માટેના સ્નેહાદરથી
તો કેટલુંક
ભવિષ્યમાં કામ આવશે એમ માનીને.
એને કારણે
સમય જતાં નવાને માટે જગ્યા ન રહે.
પરિણામે ખડકલો વધતો જાય.
ને જામે ધૂળ,
સર્જાય બંધિયાર જળની ગંધ,
હવ્વડ કૂવાની વાસ.
જૂનું જાળવવાની ટેવ વય સહજ છે.
પણ આ ગંધ ગૂંગળાવે એવું બને.
સૌજન્ય સાચવીને
એ સઘળાંને આવતાં ભલે ન રોકાય
પણ આપણાં ઘરમાં આપણને ગમે એટલું
ને સમાય એટલું રાખવું.
બોજ પણ નહીં ને બંધન પણ નહીં.
એને બદલે
સમયસરની સફાઇ સાચો માર્ગ છે.
તમેય તે એમ કરતા જ હશો
હવે હુંય એની ટેવ કેળવું છું.
– તુષાર શુક્લ