મિત્રતા ક્યાં કેમ નાં કારણનું નામ છે ?
મિત્રતા તો વ્હેમનાં મારણનું નામ છે
મિત્રતામાં ઔપચારિકતાનું ભારણ શું ?
મિત્રતા તો પ્રેમનાં તારણનું નામ છે
ના ગમે થોડાંક એવાં રંગ સાથે ચિત્ર છું
થોડો ભલે વિચિત્ર છું
પણ હું તમારો મિત્ર છું.
મિત્રતામાં કોઇ દી’ ઝગડો ય થાય છે
ને મિત્રતામાં મિત્ર પણ રિસાઇ જાય છે
મિત્રતા મનાવવા સામેથી જાય છે
અહંકાર મૈત્રીનો દુશ્મન ગણાય છે.
ના ગમે થોડાંક એવાં રંગ સાથે ચિત્ર છું
થોડો ભલે વિચિત્ર છું
પણ હું તમારો મિત્ર છું
મિત્રતાને વય સમય ના સ્પર્ષતાં કદી
ને મિત્રતા સાગર નથી, છે મિત્રતા નદી
ગંભીર થઇ ના ઘૂઘવે, કલકલ વહે સદા
મ્હેકી રહે સદાય એ ક્ષણ હોય કે સદી
ના ગમે થોડાંક એવાં રંગ સાથે ચિત્ર છું
થોડો ભલે વિચિત્ર છું
પણ હું તમારો મિત્ર છું
મિત્રતા ના ઓળખે અંતરના માપને
ને મિત્રતા ના માનતી રુપિયાની છાપને
જ્યાં કેન્દ્ર હો હુંકારનું, વર્તુળ સ્વાર્થનું
એ ઓળખી શકે ના આ મૈત્રીના વ્યાપને
ના ગમે થોડાંક એવાં રંગ સાથે ચિત્ર છું
થોડો ભલે વિચિત્ર છું
પણ હું તમારો મિત્ર છું
મિત્રતાના અર્થને સમજાવું કઇ રીતે ?
શબ્દોની સામે હૂંફ સભર બાથ એ જીતે
મિત્રો છે વૃક્ષ જેવા ને મૈત્રી છે છાંયડો
એની તળે બસ આપણી આ જીંદગી વીતે
ના ગમે થોડાંક એવાં રંગ સાથે ચિત્ર છું
થોડો ભલે વિચિત્ર છું
પણ હું તમારો મિત્ર છું
– તુષાર શુક્લ