પિતાની તસ્વીર
મુકે છે અહીં કેટલાં સંતાનો ,
દીકરા દીકરી સહુ.
શબ્દોમાં છલકે છે એમનો હ્રદયભાવ
સ્નેહાદર
કેટલાક હશે નસીબદાર
જે કહી શક્યા હશે રુબરુ
કેટલાક કહેતા હશે રોજ.
કેટલાક એવાય હશે
જે કહી નહીં શક્યા હોય.
ભાવ હૈયામાં એક જ છે
પણ સહુ પાસે શબ્દો પોતાના છે
અને તસ્વીર પણ
બ્લેક એન્ડ વ્હાઇટ ને રંગીન.
કેટલીકત્રાં હવે ઝાંખા પડતા રંગો છે
કતે સમયે રંગીન રોલ આવતા
પણ એ તસ્વીરના રંગ આજે ગેરુઆ જેવા !
હવેની તસ્વીરની મજા ઓર છે.
જે હોય એ રંગ ઝીલાય.
હવેના કેમેરાની મજાય ઓર છે.
રંગોમાં વધઘટ પણ થાય
હવે તો રંગો બદલીય શકાય છે તસ્વીરના
ત્યારે તસ્વીરકલા મોંઘી હતી
એટલે તસ્વીર પ્રસંગોપાત પડતી
ને તેય ઓછી ઓછી.
એટલે એ સમયના વડિલોની છબી ઓછી છે.
ત્યારે તો
તસ્વીર પડાવવી એ પણ એક પ્રસંગ હતો.
એમાંય ફોટો સ્ટુડિયોમાં જવાનું
ટેબલ પર પુસ્તકો કે ફૂલદાની
એમાં બનાવટી ફૂલ
ખુરશીમાં બાપુ
ને પાસે ઊભી હોય બા.
( ક્યાંક વળી એથી ઊલટું )
બાના માથેથી સાડલાનો છેડો ન ખસે
બાપુ કડક , ટટ્ટાર
હાથમાં છડી કે લાકડી
માથું ઢાંકેલું
મૂછ પણ ખરી
બા બાપુ એકમેક સામે ન જૂવે.
બંને કેમેરાના લેન્સમાં જૂવે.
અને … click ..!
જીવતેજીવ પડાવેલી તસ્વીર જ
પછી ભીંતે લટકે.
આવું સંપન્ન પરિવારમાં થાય.
બાકી તો લગ્નમાં પાડી તે જ તસ્વીર.
પ્રી વેડીંગ કે કેન્ડીડ જેવું કૈં નહીં.
તસ્વીરકાર જ કરી આપે કરામત
ને દેખાડે મેંદી રસ્યા હાથમાં “ એમનો “ ફોટો.
બસ.
કોઇક જ હનીમુન પર જાય ને તસ્વીર લે
સંકોચવશ છૂપાવીને રાખે
પાનેતરની બેવડમાં
આજે જૂવો તો લાગે કે જાતરાએ ગયા હશે.
અંતર જાળવીને ઉભા હોય તસ્વીરમાં
કોઇક નસીબદારની તસ્વીર જોવા મળી
યુવાનીમાં લાક્ષણિક અદામાં.
બાકી તો સહુ વય સહજ મર્યાદામાં.
પણ
સંતાનોનું વ્હાલ વયનાં બંધન ક્યાં સ્વીકારે ?
વૃદ્ધ ને અશક્ત માબાપને
સંતાનોની આંખે જોવાય.
એ આંખોમાં સ્થિર થઇ ગયો છે એ સમય
એ ક્ષણ.
માબાપની તસ્વીર
સૌંદર્યના નોખા પરિમાણથી જોવાય છે.
ને સંતાનોની આંખમાં એ જ અંજાયું છે.
મને તો આ તસ્વીરો
વંદનીય લાગી
દર્શનીય લાગી
ગંગાજીનાં નીરનાં રંગ
વિવિધ સ્થળે જૂદાં લાગે છે
પણ એથી ગંગાજીનો મહિમા ઓછો નથી થતો
એ તમામ રુપને મારાં વંદન
– તુષાર શુક્લ