આસમાની પ્રેમ
સ્કુલમાં હોઇએ ત્યારે પણ થાય.
કોઇને જોવું ગમે, સ્મિત આપે તો ઓર ગમે.
વાત ન થાય તોય ગમે.
એની નોટબૂક ગમે. એની ગલી ગમે.
ઓચિંતું મળવું ગમે. ડરવું ગમે.
ઉનાળાના વેકેશનમાં અગાશીમાં સૂતા સૂતા આકાશ જોવું ગમે.
એ પણ આ જ ચાંદને જુવે છે એમ ધારવું ગમે.
પરીક્ષાનું સેન્ટર શોધાય,
IMP , VIMP આપવા દોડાય.
કોલેજ અલગ હોય તો ચક્કર કપાય
ક્યારેક વાત અધૂરામાં જ પૂરી થાય.
ગુલાબી પ્રેમ
કોલેજમાં હોઇએ ત્યારે પણ થાય.
સાયકલ સ્ટેન્ડ પર , બસ સ્ટોપ પર નજર મળે
વર્ગમાંય જોઇ લેવાય છાનું છાનું.
આવડતું હોય એ જ વિષયની નોટબૂક
મંગાય ને અપાય.
કોલેજ ઇલેક્શન, ફનફેર, એન્યુઅલ ડે,
બેડમિંગ્ટન કોર્ટ , ટેબલ ટેનિસ રુમ ,
સોશ્યલ સર્વિસ , પિકનિક ,મેટિની શો …
જોવાય, મળાય, વાત થાય ,
સાથે કોફી પીવાય
લેવા – મુકવા જવાય.
બદલાતી ઋતુઓને સાથે જીવાય.
પોતાનાં પારકાં લાગે ને પારકું પોતાનું લાગે.
વસ્ત્રો બદલાય, વ્યક્તિત્વ બદલાય.
Clean shave થી માંડીને
Bearded look
ગમતી આંખને ગમે તો અરીસાને કોણ પૂછે ?
ગુલાલી પ્રેમ
પરણ્યા પછી પણ થાય.
પરણ્યા એને પણ થાય.
અન્યને પણ થાય.
અપરિચિતનું આકર્ષણ વળી રસિક બનાવે.
રસિકતા જીવન વસંત લાવે.
થોડો અપરાધબોધ
વધારે રોમાંચ
વધતી વયે પુખ્ત બનેલ મન
બહાના શોધી કાઢે છે
અને તન નવી તરસની નવી પૂર્તિ ઝંખે છે.
લીલોછમ પ્રેમ
પ્રૌઢવયે પણ થાય.
જીવનના ખાલીપાને ભરાય
સમાન રસઋચિની શોધ ચાલે
અને જ્યાં એની શક્યતા દેખાય તે તરફ વળાય.
ગેરુઓ પ્રેમ
વાર્ધક્યે પણ થાય.
જ્યાં પ્હોંચ્યા ત્યાં ન રોકાવાય
ત્યારે ત્યાંથી પાછા વળવાનું મન થાય.
તન થાકે – વયસહજ
મન થાકે – અનુભવ સહજ
એ બંને થાકે ત્યારે પાછા વળે માળા તરફ.
એકવેળાનો ભર્યો ભર્યો માળો હવે ખાલી છે
રાહ જોનારા હતા તે રાહ જોઇ થાક્યા
હવે એમની રાહ જોવાનો અર્થ નથી
હવે જે પાસે છે એ સાથે.
અને એ જ સંગાથે.
પ્રેમ
ગુલાબીથી ગેરુઆ રંગની સફર
એકવેળા ઝંખેલો આછેરો સ્પર્ષ
માણેલો આકસ્મિક ઓચિંતો સ્પર્ષ
પછી હાથમાં હાથ અને આંખમાં આંખ સાથે બેઠા કલાકો , બાંકડે.
પછી હાથમાં હાથ લીધા હસ્તમેળાપે
પછી હાથમાં હાથ લઇ ઓળંગ્યો રસ્તો
ઝીબ્રા ક્રોસિંગ પર.
રસ્તો ઓળંગ્યા પછી
હળવેકથી સરકાવી લીધેલા એ હાથ
ફરી લીધા છે હાથમાં.
લપસતા હોય કે ડગમગતા
પગને સ્થિર કરવા જોઇએ હાથ.
હવે
બાંકડા પર પાસપાસે બેસીને જોવાનાં
દૂર દેખાતા સૂર્યાસ્ત
અને ગુલાબી હથેળીમાં કરચલીવાળી આંગળી
પકડીને ખેંચતા બાળકને.
પ્રેમનું વર્તુળ પૂર્ણ…
– તુષાર શુક્લ