તું ધાર્યું કરે, મનમાન્યું કરે
તને કેમ કરી કહું , હવે રો !
બેટા, માબાપની સામું તો જો !
નીંદર ઊડી જાતી રાતોની રાત
અને કરતાં ફરે છો તમે મોજ
ઘરમાં આવી ગયાં એ જોઇને પાણિયારે
દીવો કરે છે મા રોજ
મનમાં તો થાય છે કે દંડો લઇ કોઇ તને
ઠેકાણે લાવે હવે ,છો
બેટા, માબાપની સામું તો જો !
અમે તો ડરતાં’તાં અમારા માબાપથી
તે ગમતું નો’તુંય બેટા, અમને
એથી કીધેલું કર્યું, વણમાગ્યું આપ્યું અમે
કેટલીય છૂટ દીધી તમને
અમેય નાનેરા હતા, અમે જુવાન થયાં
અમનેય થાતું ‘તું ઘણું મન
ઉંમરના ઉંબરાને જે દી’ વટાવ્યા
તે દી’કેટલુંય માંગતું’તું તન
સપનાં ને સંયમની ખેંચતાણ વચ્ચે તો
અમે પણ છોલાયાં છીએ, હોં !
બેટા, માબાપની સામું તો જો !
વાહન તો પૈસાથી ખરીદી શકાય
પણ વિવેક વેચાતો નથી મળતો
સરકસનાં પશુપંખી વાહન ચલાવે
એને નિર્ણય કરતાં ન આવડતો
ડરથી કે દંભથી કે સાવે અણજાણ અમે
તમને નથી રે કહી શકતા
કેમ ક્યાં ક્યારે જો ભૂલથીય પૂછીએ તો
આમન્યા મુકી તમે બોલતા
સંતુલન સાચવવાની સમજણ ન આવે
એમાં મોંઘેરું જીવન જો જાય તો ?
બેટા, માબાપની સામું તો જો !
પળ બે પળનાં ઉન્માદ મહીં મ્હાલો તમે
માણો બેપરવાઇથી મસ્તી
કેટલાય હૈયાના ધબકારા જેવી
આ જીંદગી બની જાતી સસ્તી
અણઘટતું થાય ત્યારે આખા પરિવાર કેરી
આબરુ થઇ જાય ધૂળધાણી
તમને છોડાવવાને પાણી થઇ જાતી
એ કાળી મહેનતની કમાણી
પળભરની મસ્તી દઇ જાતી પળવારમાં
અમારાં સપનાંને ખો
ખૂદનાં સંતાનોથી ડરતાં માબાપ કને
ધાર્યું કરાવી છો લ્યો
બેટા, માબાપની સામું તો જો !
– તુષાર શુક્લ