ક્ષમા માંગે તે વીર ,
ક્ષમા આપે મહાવીર
સંવત્સરીના પાવન પર્વે વંદન, પ્રભુ મહાવીર
ઓળખવા અઘરા છે જગમાં, કોણ નીર ને ક્ષીર
ચહેરા પર મહોરા પહેરીને મળતા લોક જીવનમાં
સ્વાર્થનાં ભાથામાં લઇને એ કેટ કેટલાં તીર
ક્ષમા માંગે તે વીર , ક્ષમા આપે મહાવીર
જીવને બાંધે છે જીવનમાં , કર્યા કર્મનાં બંધન
મૃગજળ શા સુખની ભ્રમણામાં રહે અટવાતું મન
વર્ધમાન તીર્થંકર પ્રભુ હે , હરો કર્મના ચીર
ક્ષમા માંગે તે વીર , ક્ષમા આપે મહાવીર
સમ્યક દર્શન, જ્ઞાન, ચરિત્રને સિદ્ધ કરે તે શ્રાવક
મહાવ્રતોનાં પાલન કરે તે સાચા જિન ઉપાસક
પાલન કરે જે વ્રત નિયમોના ધરીને હૈયે ધીર
ક્ષમા માંગે તે વીર , ક્ષમા આપે મહાવીર
પ્રતિક્રમણનાં પગલે પગલે પાપ તણો ક્ષય થાય
જિનપ્રભુની દેશના સમજે, ભાવે ભાવના ગાય
કેવલજ્ઞાનના સ્વામી,રાખજો તુજમાં મનને સ્થિર
ક્ષમા માંગે તે વીર , ક્ષમા આપે મહાવીર
– તુષાર શુક્લ