યાદ તું આવે અને વરસાદ આવે
કે પછી વરસાદ તારી યાદ લાવે
બંધ છત્રી મેં હજી ખોલી જરી ત્યાં
કૈંક સ્મરણોનાં ખૂલ્યાં અકબંધ દ્વારો
જે જીવાયું એ નથી સ્હેજે ભૂલાયું
યાદ આવે હાથમાં એ હાથ તારો
એક છત્રી બે જણા વરસાદ વરસે
સાથમાં ભીંજી જવા એ બેઉ તરસે
મેં ય સમજીને કરી’તી બંધ છત્રી
તું ય મલકી’તી પ્રથમ વર્ષાને સ્પર્ષે
એ સડકની ધાર ઉપર ચાલવું ને
સાથમાં એ ભીનું ભીનું મ્હાલવું ને
વાત કૈં કરતા હતા કે ? યાદ ના’વે
યાદ તો બસ એ અડોઅડ શ્વાસ આવે
તું વળી ગઇ સાવ અણધાર્યું ગલીમાં
રાહ જોઉં ત્યાં હજી ઊભો રહીને
આવજે ન્હોતું કહ્યું તેં, એ ય સાચું
જાઉં તો હું આવું ને પાછો ફરીને ?
એ ગલીમાં કોઇ દી’ નીકળ્યો નથી હું
બારીમાં કે હીંચકે જોયું નથી મેં
એ વળાંકે વાટ જોતો છું ઉભો હું
જે વળાંકે પાછું વાળી જોયું’તું તેં
વાટ જોવાની ઋતુ વરસાદની છે
આવવું ના આવવું એના ઉપર છે
છે તરસવાનું આ મારા ભાગ્યમાં ને
ને વરસવાથી ય એ કેવું સરસ છે !
યાદ તારી આંખમાં વરસાદ લાવે
કે પછી વરસાદ તારી યાદ લાવે !
– તુષાર શુક્લ