સ્મરણ કરો જેણે વિદાય લીધી
સેવા કરો, જે સાથે
મંત્રોચ્ચાર કરો સહુ મળીને
શ્રદ્ધાથી સંગાથે : ૐ પિતૃદેવો ભવ ।।
શ્રાદ્ધપક્ષમાં સાદ દઇને
નાખીએ કાગને વાસ
પિતૃરુણનો સ્વીકાર કરીએ
વાસ બને છે સુવાસ
વ્હાલના વારસદાર આપણે
કરીએ તર્પણ હાથે : ૐ પિતૃદેવો ભવ ।।
વિદાય લીધી જેમણે એમનું
સ્નેહસ્મરણ સાચવીએ
પાસે જે પરિવારજનો
એની સેવા સાદર કરીએ
મહામૂલું આ જીવન દીધું
કૃપા કરી છે નાથે : ૐ પિતૃદેવો ભવ ।।
– તુષાર શુક્લ