સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે,
કોઈની યાદો થકી મ્હેંકી જવાતું હોય છે.
ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી ભડભડે હૈયે અગન,
માવઠું થઈ આંખથી વરસી જવાતું હોય છે.
જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં,
એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે.
નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે,
આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય છે.
મસ્ત દરિયાને કિનારે હોય વસવાનું છતાં,
બૂંદ માટે પ્રેમની તરસી જવાતું હોય છે.
છાંય કઠિયારાને મળતાં હાશ નીકળે એ સમે
વૃક્ષથી મૂછમાં જરા મલકી જવાતું હોય છે.
સર્પ જે રીતે ઉતારે કાંચળી એ રીતથી,
આ સમયથી બેફિકર સરકી જવાતું હોય છે.
ખુશનસીબી છે કે ‘ચાતક’ ઈંતજારી કોઈની
આંખથી અહીંયા સહજ ભટકી જવાતું હોય છે.
દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’