કેવું સરસ કહ્યું છે તમે
ગુલઝાર સાહેબ
પુસ્તકોને
મુકી શકાય છે ઓશીકે
સૂઇ શકાય છે
પુસ્તકને છાતી સરસું રાખીને
પુસ્તક હાથથી પડે
તો લેવાને નિમિત્તે
( કે બહાને )
વાત થાય છે.
પાનાં ફેરવવા જતાં
આંગળી હોઠને કરાવે છે
એ હોઠની મીઠાશનો અનુભવ
પુસ્તકને આંખે માથે અડાડી
વ્યક્ત કરાય છે આદર.
ક્યારેક
મુકીને ભૂલી ગયા હોઇએ એ ફૂલ
ઓચિતા જ આવી જાય સામે
ને છલકાવે યાદ
પુસ્તક
કરાવે છે
રુપરંગગંધસ્પર્શસ્વાદનો અનુભવ.
ગુલઝાર સાહેબ,
તમે એ બધું જ તો કહી દીધું
જે અમારા મનમાં હતું
આજે
એક પુસ્તકને હાથમાં લેતાં
અનુભવાયો
એ સ્પર્શ
એ દુપટ્ટાની સુગંધ
એ હોઠની મીઠાશ
એણે છૂટાં પડતાં
આ પુસ્તક
મને પાછું આપતાં કહ્યું હતું
“ હું આ ક્યાં રાખીશ મારા નવા ઘરમાં ?
તું જ રાખ તારી પાસે ,
યાદ રાખવા મને આધારની જરુર ક્યાં છે ? “
ગુલઝાર સાહેબ
મેં એક નવો પ્રયોગ કર્યો છે-
Book selfie !
એણે પરત કરેલા પુસ્તક સાથે પાડી છે
Selfie
બીજાં કોઇ તો નહીં માને
પણ તમને કહી શકાય
એ ચમત્કાર વિષે!
તસ્વીરમાં હું તો છું
પણ પુસ્તક નથી !
પુસ્તકને બદલે દેખાય છે
એ ચ્હેરો.
આછો, ધૂંધળો..
કળાતું નથી બરાબર
મેં
ઉનાળાની ઢળતી સાંજે
શિરીષવૃક્ષ નીચે
સાચી પાડી છે કવિતાને..
मेरे हाथोंमें तेरा चहेरा था
जैसे कोइ गुलाब होता है ।
ત્યારે હું પુસ્તકને બદલે જે ચ્હેરો વાંચતો
એને જ ઓળખવામાં આજે વાર લાગી !
કેટલો સમય વીતી ગયો છે વચ્ચે !
હુંય ક્યાં છું એ જ
તો એ પણ બદલાઇ જ હશે ને !
સાચી વાત છે તમારી :
किताबें भी कमाल करती हैं
તુષાર શુક્લ