ચાલી રહી છે એક ફિલ્મ.
પ્રેક્ષકો બેઠા છે
કોઇ હસે છે ગમતું દ્રશ્ય જોઇને
કોઇની આંખ ભીની છે ન ગમતું જોઇને
કોઇ વચ્ચેથી ઊઠીને નીકળે છે બહાર
એમાંથીકેટવાક પાછા નથી આવતા થિયેટરમાં
કેટલાક આવે છે પાછા પોપકોર્ન ને કોલા સાથે
ઊઠીને ગયા ત્યારે લાગતું નહોતું કે આવશે !
પણ હોય છે કેટલાક આશા ભર્યા
ને કેટલાક પૈસા વસૂલ કરનારા
કદાચ હવે કૈંક મનગમતું આવે એ આશાએ
આવે પાછા.
ઊઠીને જાય ત્યારે
ને પાછા આવીને ખુરશીમાં ગોઠવાય ત્યારે
ઘણાંને પહોંચાડે છે ખલેલ.
પણ કોઇ ઝગડતું નથી.
મોં બગાડીને આવી જાય છે પાછા
ફિલ્મના પ્રવાહમાં.
પેલા બહાર- અંદર કરનારામાંથી કોઇ
બાજૂવાળાને પૂછે છે : શું થયું ? કેટલું ગયું ?
બાજૂવાળા જવાબ આપે પણ ને નય આપે.
કેટલાકને કોઇ ફેર નથી પડતો શું ગયું તેમાં
એ પોપકોર્ન ખાય છે
અવાજ કરીને
કોલા પીએ છે
ભૂંગળીમાં ખેંચીને અવાજ સાથે
એ અવાજ કરે છે કારણકે
એમને ફિલ્મનો અવાજ સાંભળવો નથી
દ્રશ્ય જોવાં નથી
એમને ફિલ્મમાં રહીને ફિલ્મથી અજાણ્યા રહેવું છે.
ને અવાજ કરીને અન્યનું પણ ધ્યાન હટાવવું છે
સામે ચાલતી ફિલ્મમાંથી.
કેટલાકનું ધ્યાન ખેંચાય પણ છે
કેટલાક વહે છે ફિલ્મના પ્રવાહમાં.
ફિલ્મને કૈં ફેર નથી પડતો.
એ તો ચાલ્યા કરે છે , શો પછી શો પ્રોજેક્ટર ફેરવનાર રિલ ચડાવીને નીકળી જાય છે
બીડી પીવા.
એને આ રોજનું છે.
એ રડતો નથી, હસતો નથી.
રિલ અટકે ત્યારે આવીને બદલે છે, કેવળ.
પ્રેક્ષકો આવે , જૂવે , ઊભા થાય, પાછા આવે
કે ન આવે .
બધું જ પૂર્વવત ચાલે છે.
ને છતાં કૈંક તો બદલાયું છે
આ સતત ચાલતી લાગતી ફિલ્મના થિયેટરમાં.
અહીં બેઠેલા, બહાર જનારા,પાછા આવનારાને
એની ખબર નથી.
જવાબ કદાચ પેલા ઊઠીને ચાલ્યા ગયા એમની પાસે છે.
ફિલ્મ ચાલુ છે.
પ્રેક્ષક આવે છે. જૂવે છે, બહાર જાય છે,
પાછા આવે છે…
આપણી જેમ.
તુષાર શુક્લ