કેમ ઓ સાકી, હું મસ્તીમાં લથડતો જાઉં છું,
કેફ ચડતો જાય છે કે હું જ ચડતો જાઉં છું…
મેળવું મંઝિલ હું એવી ચાલ આવડતી નથી,
છું સીધા રસ્તા ઉપર તો પણ રખડતો જાઉં છું…
માર્ગ એવો કે નથી પગ મૂકવાની પણ જગા,
ને સફર એવી કે હું નભનેય અડતો જાઉં છું…
એ અધૂરા પણ સુભાગી છે કે જે છલકાય છે,
હું તો ખાલી રહી ગયો છું ને ખખડતો જાઉં છું…
એ જ હંમેશા સતાવે છે મને એવું નથી,
તક મળે ત્યાં એમને હું પણ કનડતો જાઉં છું…
મારી અંગત વાત છે, એમાં બીજાની શી જરૂર,
એકલો ને એકલો હું બબડતો જાઉં છું…
કોઇનો મક્કમ સહારો લઇને સ્થિર થાવું નથી,
એટલે હું આપનો પાલવ પકડતો જાઉં છું…
શત્રુઓ માટે મને કંઇ રસ નથી, ફુરસત નથી,
લાગણીશીલ છું મિત્રો સાથ લડતો જાઉં છું…
માથું ઊંચકવા નથી દેતો બુરાઇને કદી,
માર્ગના કાંટાને પગ નીચે કચડતો જાઉં છું…
ઘાવ કરનારા, તમારા હાથ ના હેઠા પડે,
મારા જીવનને હજી તો હું જ ઘડતો જાઉં છું…
ડર નથી એનો કે રુંધે છે સદા દુનિયા મને,
ડર તો એનો છે, મને ખુદ હું જ નડતો જાઉં છું…
એ જ ખાડો ખોદશે બેફામ મારી કબ્રનો,
આજ જે નિંદા કરે છે કે હું પડતો જાઉં છું…
– બરકત વીરાણી ‘બેફામ’