લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી,
જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી.
કરી ગઈ ભેદ સૌ ખુલ્લા ભલે દીવાનગી મારી,
છતાં યે છે ઘણી વાતો હજી યે ખાનગી મારી.
જુઓ તન્હાઈ કે ફૂટી ગઈ છે આરસી મારી,
અને મળતી નથી ભૂતકાળની કોઈ છબી મારી.
દિવસ ઊગવા છતાં અંધકારમાં રહેવું પડે મારે,
તો બહેતર છે કે સોંપી દઉં સૂરજને રોશની મારી.
હૃદય બહેલાવવાના તો અહીં લાખો બહાના છે,
મને કિન્તુ ખબર ક્યાં છે કે શેમાં છે ખુશી મારી?
નિહાળી નીર, રાખું છું પ્રતિષ્ઠા ઝાંઝવાની હું,
નથી આ પ્યાસ મારી,આ તો છે દરિયાદિલી મારી.
મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.
સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.
દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.
જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.
– બરકત વિરાણી ‘બેફામ’