બુદ્ધિની દલીલો પર લાગણીની સરસાઈ; એ ક્ષણો ગઝલની છે;
કંટકો કળી સમ્મુખ દાખવે સલુકાઇ; એ ક્ષણો ગઝલની છે.
ગુફતેગો ય કરવી છે, એ ય પાછી એકાંતે ને વળી પ્રિયા સાથે;
આ શરત પૂરી થાતાં વાગે જયારે શરણાઈ, એ ક્ષણો ગઝલની છે.
પુષ્પની તુરંગોમાં કેદ ખુશ્બૂને કરવી શક્ય એ બને ક્યાંથી ?
પ્રેમમાં મળે ઊર્મિ સાથે ભીની રુસ્વાઈ ; એ ક્ષણો ગઝલની છે.
વૈભવો વસંતોના પાનખરના પાલવમાં જાય છે ઢબૂરાઈ;
તે પછીયે ફરફરતી ફૂલની ફકીરાઈ, એ ક્ષણો ગઝલની છે.
સાવ ઝીણો અંતરપટ શિવ ને જીવની વચ્ચે, શક્ય એનું ઓગળવું;
માશૂકા-ખુદા વચ્ચે હોય ન અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે.
– ભગવતીકુમાર શર્મા