કાંકરી અકબંધ રહેવી જોઈએ
માટલી અકબંધ રહેવી જોઈએ
દૂરતા વરસોવરસ મંજૂર છે
લાગણી અકબંધ રહેવી જોઈએ
આ વિચારે, વાપરી સ્હેજે નહીં
સાદગી અકબંધ રહેવી જોઈએ
માનતાની ચૂંદડી બંધાય છે
ડાળખી અકબંધ રહેવી જોઈએ
પાંચ ચીજો સામટી આપી છે તેં
સામટી અકબંધ રહેવી જોઈએ
આફતોને ભેટવાની ટેવ છે
પાંસળી અકબંધ રહેવી જોઈએ
જિંદગીના સાવ છેલ્લા શ્વાસની
બાતમી અકબંધ રહેવી જોઈએ
ચોતરફ થાતી ઊથલપાથલ ભલે
સાદડી અકબંધ રહેવી જોઈએ
લાશની અંતિમક્રિયા જલ્દી કરો
તાજગી અકબંધ રહેવી જોઈએ
ભાવિન ગોપાણી