એની ફિકર નથી, મને લાફો પડી ગયો
ચિંતા છે એના હાથમાં ડાઘો પડી ગયો
એનું સ્મરણ સમય જતા ઝાંખું પડી ગયું!
આરસનો મ્હેલ આખરે કાળો પડી ગયો.
આ કારણે જ મોડું થયું આવતા અહીં
રસ્તામાં કંઈક વાર ઈરાદો પડી ગયો
ગ્રાહકને એમ હું જ છું માલિક દુકાનનો,
મારા ખભા ઉપરથી જો ગાભો પડી ગયો.
એના ચરણમાં શું હતું જે ખેંચતું હતું ?
નમવા ગયો જરાક એ આખો પડી ગયો
લેવા સમાધિ બ્હાર કશે ના જવું પડ્યું,
સારું થયું કે પેટમાં ખાડો પડી ગયો
ભાવિન ગોપાણી