કરું જિંદગીનો હિસાબ શું?, બધા ખર્ચના જ બનાવ છે
ન મળ્યો મફતમાં પ્રહાર કે ન થયો નિ:શુલ્ક બચાવ છે
ભલે કંઈ જ સ્થીર નથી છતાં હવે એક બાબતે હાશ છે,
હવે ઠોકરો શું નડે મને? કે હવે વમળમાં પડાવ છે.
હતી જ્યાં ઘણી ય ચહલપહલ, નથી આજ કોઈ અવરજવર
હું નગરનું બંધ બજાર છું, તું બની ગયેલ બનાવ છે
ભલે કંઈક વર્ષ વિતી ગયા, તું મળે તો મળજે સહજ રીતે ,
હજી એ જ મારો સ્વભાવ છે, હજી એ જ મારો ઝુકાવ છે.
રહી આસપાસ છે એટલું કે જીવનનો ભાગ બની ગઈ
હવે વેદનાનું વ્યસન થયું અને આફતોથી લગાવ છે
જો તરસની સાથે પરત ફરું, તો કરી શકું આ પ્રચાર હું
આ તરસને મોક્ષ અપાવવા, અસમર્થ એક તળાવ છે
તું ઊભી છે ત્યાં જ ઊભી રહે, ને કરી શકે તો પ્રતીક્ષા કર,
તને શી રીતે કહું આવ તું, અહીં છાંયડાનો અભાવ છે
Related