બધામાં થઈ રહ્યાં છે ફેરફારો, કોણ કેવું છે?
રહે છે પ્રશ્ન ઊભો એકધારો કોણ કેવું છે?
અભિપ્રાયોની છે હલકી બજારો કોણ કેવું છે?
ખરા ખોટા મળે ઉત્તર હજારો, કોણ કેવું છે?
નિકટતા નિર્ણયો લેવામાં અડચણ રૂપ રહેવાની,
બધાથી દૂર બેસીને વિચારો, કોણ કેવું છે?
નવા બે- ચાર મિત્રો લઈને મળવા એ મને આવ્યો,
અને એણે, કર્યો પણ ના ઈશારો, કોણ કેવું છે.
કરો જો ધારણા, મારું-તમારું કંઈ જ ના આવે,
અહીં ખોટા પડે છે જાણકારો, કોણ કેવું છે?
રહી ને આ જગા પર કોણ ખોલે આ જગાના ભેદ?
કહી શકશે જગા છોડી જનારો, કોણ કેવું છે?
બધા ગંભીર પ્રશ્નો હલ કરી પામો અગર નવરાશ,
પછી આ પ્રશ્નનો આવે છે વારો, કોણ કેવું છે?
ભાવિન ગોપાણી