નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય
અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય
તમે વહેતી નદી છો ને તમારું લક્ષ્ય છે બીજું ,
કિનારા જોડવા માટે તમારે ના જવાનું હોય
મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ
ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય
છે જેમાં પ્રાણ આ સંબંધનો એવા કબૂતરનું,
ગળું મચકોડવા માટે તમારે ના જવાનું હોય
ભલે ને સૌ અહીં ભાગી રહ્યા છે એક પાછળ એક,
નકામું દોડવા માટે તમારે ના જવાનું હોય
તમે સમજો છો માણસ, શક્ય છે કે હોય એ ઈશ્વર !
તો ખીલ્લા ખોડવા માટે તમારે ના જવાનું હોય
તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત
તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય
– ભાવિન ગોપાણી