મરણ બાજુ વળી આ કારણે બીમારની ઈચ્છા,
અહીં પુરી કરે છે માણસો, મરનારની ઈચ્છા.
મદદ પ્હોંચાડવાના ઢોલ એણે એ હદે પીટ્યા
નર્યા ઘોંઘાટથી ભાંગી પડી આભારની ઈચ્છા
જરૂરી એટલે પણ છે સમયસર આંખ મીંચી લો
ઘણું જોયા પછી થઈ જાય છે અંધારની ઈચ્છા
ગરીબી, ભૂખ, શોષણનો સમન્વય થઈ ગયો પહેલા,
પછી જન્મી હતી ત્યાં લોહીના વેપારની ઈચ્છા
પછી મળવાનું રહેવા દો, સમય કાઢી મળો હમણાં,
અહીં લાંબો સમય ટકતી નથી તકરારની ઈચ્છા
તમે પુરો કરો રસ્તો, અમે વચ્ચે મરી જઈએ
તમે વગદારની છો હઠ, અમે લાચારની ઈચ્છા
ભાવિન ગોપાણી