શિવ મંદિરમાં, જીવ હું ઘરમાં કેવો છે સંયોગ ?
તમે હરો પ્રભુ , આ વિયોગ
હર હર મહાદેવ શંભો (૨)
મંદિર આવી દર્શન કરવાને મન ઝંખે મારું
શ્રાવણ માસે શોભે હરજી, અનુપમ રુપ તમારું
બિલિપત્ર, જલ, ભસ્મ ત્રિપૂંડનો ક્યારે થાશે યોગ ?
હર હર મહાદેવ શંભો (૨)
સ્વાસ્થ્ય,સુરક્ષા, સફાઇકર્મી થયાં ત્રણે એકત્ર
જનસેવાને કાજ બન્યાં છે એ આજે બિલિપત્ર
કપરાકાળમાં બને નહીં કોઇ મહારોગના ભોગ
હર હર મહાદેવ શંભો (૨)
મહાકાલ હે વિશ્વનાથ પ્રભુ, કરુણાકર મહાદેવ
તાપ હરો જનજનના , પ્રાર્થું ,હે દેવાધિદેવ
ભસ્મ કરો આ આધિ વ્યાધિ , દૂર કરો મહારોગ
હર હર મહાદેવ શંભો (૨)
– તુષાર શુક્લ