કાં ફરો ઓળખનો ખોટો ભાર લઈ?
પ્યાર લઈ નીકળો, પ્રવાસી! પ્યાર લઈ!
જે બધા બેઠા અહીં દરબાર લઈ
એ નથી જીવી શક્યા ઘરબાર લઈ
જેમને મંઝિલ ગણી સ્થાપ્યા હતા
એ ગયા, ત્યારે ગયા પગથાર લઈ
પ્રેમથી એણે વળાવીને કહ્યું
નીકળી જા! યાદ બસ બેચાર લઈ
ખુશ હતો, હળવો હતો, હસતો હતો
ક્યાં હું બેઠો હાથમાં અખબાર લઈ!
પ્રકૃતિ જ્યાં પાંગરી-ના પાંગરી
માણસો આવી ગયા ઓજાર લઈ
એ પૂછે છે પગના છાલાનો મિનિંગ
પુત્ર જે રખડે પિતાની કાર લઈ
– રઈશ મનીઆર