ચાલું છું પણ સફરમાં જરા છું જરા નથી
છું કેદ, તોય ઘરમાં જરા છું જરા નથી
એવી ય છે ગતિ જે વહે બાળપણ તરફ
વધતી જતી ઉમરમાં જરા છું જરા નથી
વેરાઈ આમતેમ જરા હળવો થાઉં છું
આ દેહની ભીતરમાં જરા છું જરા નથી
સંપૂર્ણ લક્ષ પણ નથી અવગણના પણ નથી
ઈશ્વરની પણ નજરમાં જરા છું જરા નથી
પીડા તો થાય છે છતાં છે સ્મિત હોઠ પર
છેદ્યું તમે એ થરમાં જરા છું જરા નથી
પ્રત્યેક રાતે મરતો રહું છું જરા જરા
હર ઊગતાં પ્રહરમાં જરા છું જરા નથી.
ફૂટેલા લીલા ઘાસમાં મારો જ અંશ છે
દાટ્યો’તો એ કબરમાં જરા છું જરા નથી
~ રઈશ મનીઆર