સગપણ વગર, સંબંધના વિવરણ વગર મળી
સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.
લોકોની આંખમાં મને દેખાયો બસ, અભાવ…
મારી છબી, જુઓ, મને દર્પણ વગર મળી.
અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ
આ વેદના અપાર જે કારણ વગર મળી.
દુલ્હન મળે અપ્રિય પતિને, હા, જે રીતે…
આ જિંદગી મનેય સમર્પણ વગર મળી.
સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.
અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી.
– રઈશ મનીઆર