ઝંપલાવો તર્કમાં કે સાગરે, ક્યાં ફર્ક છે?
સાવધાની જો ગઈ, બન્નેમાં બેડો ગર્ક છે.
ભેદ ભાષાનો ન કેવળ, ભાવનાનો ફર્ક છે,
કર્મ સમજીને કરો તો કર્મ, નહિતર વર્ક છે.
પર્ણ ફફડ્યા, ડાળ ઝૂલી, પણ તરુ ઊડ્યું નહીં,
ચાહ નભની, પણ ધરાથી જીવતો સંપર્ક છે.
આ વિચારો સાપસીડીની રમાડે છે રમત,
એ જ રસ્તે સ્વર્ગ આવે, એ જ રસ્તે નર્ક છે.
મધ્યમાં વસવું બહુ વસમું, વિષુવવૃત્તે કહ્યું,
એક બાજુ છે મકર, ને બીજી બાજુ કર્ક છે.
એ ન પૂછો, ક્યાં ગયાં પુષ્પો, ઘવાયાં તો નથી?
આપ જે વાંચી રહ્યા છો, જિંદગીનો અર્ક છે.
– રઈશ મનીઆર