ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!
હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!
અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!
શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!
કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!
રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!
અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!
– રાજેન્દ્ર શુક્લ