વાયરો જ્યાં અડે છે પાણી ને
કેવી મસ્તી ચડે છે પાણી ને
રોજ ફૂટે છે કૈંક પરપોટા
ક્યાં કશો ઘા પડે છે પાણી ને
આમ નહિતર વમળ ન હોય કદી
પાણી પોતે નડે છે પાણી ને
ગર્મ રેતીમાં શોષવાય જતાં
ક્યાં તરસ આભડે છે પાણી ને
જાતમાં ભૂસકો મારવા માટે
ધોધ થાવું પડે છે પાણી ને
પાણી,પાણીને મળશે દરિયામાં
ક્યાં કદી રણ જડે છે પાણી ને
આભમાં જઇને ભોંય પર પડવું
શી રીતે પરવડે છે પાણીને
આંખને ભીંજવી અમસ્તી પણ,
એ રમત આવડે છે પાણી ને….
ખલીલ ધનતેજવી