હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું
પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું
મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું
કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું
સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું
એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ
કોણ ‘શયદા’ મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું