સમય ટપકતો ને ભીની પળ છત્રી નીચે,
કૈંક વહે છે ખળખળ ખળખળ છત્રી નીચે.
વૃક્ષ પૂરતું સીમિત ક્યાં રહે છે ચોમાસું ?
માણસને પણ ફૂટે કૂંપળ છત્રી નીચે.
વર્ષો સુધી વરસી રહેશે ધોધમાર એ,
ઘેરાયાં છે એવાં વાદળ છત્રી નીચે.
વર્ષાને પણ ઇર્ષા થઈ’તી એ બંનેની,
વાછટો આવી’તી પુષ્કળ છત્રી નીચે.
કોરા રહેવા માગો ને ભીંજાઓ નખશિખ,
કોણ કરે છે આષાઢી છળ છત્રી નીચે !
છત્રી, વર્ષાથી બચવાનું સાધન ક્યાં છે ?
મુલાકાતનું છે ઉત્તમ સ્થળ છત્રી નીચે.
– શ્યામલ મુનશી