પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,
ક્યાં કહું છું આખાય જીવનને- સ્માઇલ પ્લીઝ ?
કેમૅરા લઈ એક બગીચામાં હું પેઠો,
કહી દેવાયું ત્યાંય સુમનને- સ્માઇલ પ્લીઝ.
તરત પછી તો સરસ મજાની સુગંધ આવી,
જરા અમસ્તું કહ્યું પવનને- સ્માઇલ પ્લીઝ.
મેકઅપ બેકપ આભૂષણ બાભૂષણ છોડો,
પહેરાવી દો સ્મિત વદનને- સ્માઇલ પ્લીઝ.
ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે,
કહ્યું હતું જે ક્ષણે સ્વજનને- સ્માઇલ પ્લીઝ.
સ્મિત કરી લશે ચહેરા તો કરવા ખાતર,
કઇ રીતે કહેશો મનને- સ્માઇલ પ્લીઝ ?
ફોટોગ્રાફર છે ને સાથે ઈમેજ પણ છે,
બેઉ મળી કહે કવનને- સ્માઇલ પ્લીઝ.
– શ્યામલ મુનશી