મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં, કોઈ દિ’ પરાયાં
ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું
ને પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું ભલે
ઉનાળો હોય કે શિયાળો.
મને એક એક ઝાડની છાયા,
કે ઝાડ મને લાગે નહીં, કોઈ દિ’ પરાયાં
ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં, કોઈ દિ’ પરાયાં.
સુરેશ દલાલ