તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
– તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?”
– તો લખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.
તમને આંખમાં આવેલાં વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.
તમને તમારાથી પણ છૂટ્ટા પડતાં આવડે છે?
– તો લખો.
તમને કંઈ પણ આવડતું નથી એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે? –
તો લખો.
~ સુરેશ દલાલ